વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં ફરી એકવાર દરોડો પાડીને નામચીન લીકર કિંગ સુનિલ અદો,લાલુ સિન્ધી અને મનોજ પાપડનું દારૃનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે ૩૮.૨૧ લાખના દારૃ અને ત્રણ વાહનો સાથે કુલ ૫૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ખેપિયાની ધરપકડ કરી છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૃના મોટા કેસો કરવામાં આવી રહ્યા હોવાથી સ્થાનિક પોલીસ ઉંઘતી પકડાઇ રહી છે.ગઇરાતે એસએમસીએ જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલીના સંતરામ મંદિર પાછળ દારૃના કટિંગ દરમિયાન દરોડો પાડતાં ફરીએક વાર પોલીસ દોડતી થઇ છે.
દારૃના કટિંગ વખતે એસએમસી ત્રાટકતાં જ નાસભાગ મચી હતી.જેમાં એક આરોપી ફોર્ચ્યુનર કારમાં ફરાર થઇ ગયો હતો.પોલીસે સ્થળ પરથી હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઇ અગ્રવાલ(ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ, ઘનશ્યામપાર્ક પાસે,ગોરવા),મણિલાલ તેરસિંગ જરપોટા(દેવાલાપાડી,બાંસવાડા, રાજસ્થાન) અને જમ્મુના અનવરખાન મતાબ દિનને ઝડપી પાડતાં તેમની પાસેથી મનોજ પાપડ,લાલચંદ ઉર્ફે લાલુ અને સુનિલ ઉર્ફે અદો દ્વારા દારૃનું કટિંગ કરાવવામાં આવતું હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસે પીકઅપવાનમાંથી દારૃની ૩૮.૨૧ લાખની કિંમતની ૧૯૪૯ બોટલ,બે કાર,ચાર મોબાઇલ,રોકડ સહિતની ચીજો કબજે કરી ૧૯ જણા સામે ગુનો નોંધ્યો છે.
સુનિલ અને લાલુની ગેંગ દર બે દિવસે ૫૦૦ પેટીનું કટિંગ કરાવતા હતા
સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા દારૃના મોટા નેટવર્કના ખેપિયાઓની કબૂલાતથી ફરી એક વાર વડોદરા શહેર પોલીસ સામે સવાલો થઇ રહ્યા છે.
એસએમસીએ પકડેલા નામચીન હિમાંશુ ઉર્ફે ભોલો,મણિલાલ અને અનવરખાનની પૂછપરછ કરી વિગતો મેળવી હતી.જે દરમિયાન સુનિલ અદો,લાલચંદ ઉર્ફે લાલુ અને મનોજ ઉર્ફે પાપડ દર એક-બે દિવસે દારૃની ૪૦૦ થી ૫૦૦ પેટીઓનું કટિંગ કરાવતા હોવાની માહિતી બહાર આવી હતી.
તેમણે એમ પણ કબૂલ્યું હતું કે,દારૃનું કટિંગ નંદેસરી જીઆઇડીસીમાં પઢીયાર એન્ટરપ્રાઇઝની નજીક ખુલ્લી જમીનમાં તેમજ કોયલી સંતરામ મંદિરની પાછળ ખરાબાની જમીન સહિત બે થી ત્રણ સ્થળે કરાતું હતું.
બૂટલેગરોમાં ગુજસીટોકનો પણ ખોફ રહ્યો નથી
દારૃના ધંધામાં લાંબા સમયથી સક્રિય હોય તેવા બૂટલેગરો સામે ગુજસીટોક હેઠળ વડોદરા શહેર પોલીસ તેમજ એસએમસીએ ગુના નોંધી ધરપકડ કરી છે.પરંતુ તેમ છતાં તેમનામાં કોઇ ખોફ દેખાતો નથી અને તેને કારણે દારૃનું મોટેપાયે કટિંગ કરવામાં આવી રહ્યું છે.
કોનીકોની સામે ગુનો નોંધાયો
કોયલીમાં એસએમસીએ પકડેલા દારૃના નેટવર્કમાં કુલ ૧૯ જણા સામે ગુનો નોંધાયો છે.જેમાં હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઇ અગ્રવાલ(ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ,ગોરવા),મનોજ ઉર્ફે પાપડ શંકર નરસિંઘાની(નર્મદેશ્વર સો., ગોરવા),લાલચંદ ઉર્ફે લાલુ હેમંતદાસ ખાનાણી(વારસિયા),સુનિલ ઉર્ફે અદો પ્રકાશ મલ કેવલરામાણી(વારસિયા),મણિલાલ તેરસિંગ જરપોટા(દેવલાપાડા,રાજસ્થાન), અનવરખાન મતાબદિન(જમ્મુ,ડુરામુનસુ), છોટુ(ગોરવા),બાન્ટો(કમલાનગર),ઉપો (કમલાનગર),સંજયસિંગ ઉર્ફે અન્નો (લક્ષ્મીપુરા),ગોરધન(ભાયલી),અનિલ માળી (સેવાસી),સંજુ ભોઇ(કિશનવાડી), કરણ(શેરખી),ગિરી(વારસિયા),નાંદેશ્રી (જીઆઇડીસી) અને ત્રણ વાહનના ચાલક.















