![]()
છેડતીની ફરિયાદનો ખાર રાખી જૂની અદાવતમાં બઘડાટી
પાઈપ અને પાવડાના ઘા મારતા બે મહિલાઓ ગંભીર ઈજાઓ સાથે રાજકોટ સિવિલમાં દાખલ, મહિલા સહિત ૬ સામે ગુનો નોંધાયો
ગોંડલ: શહેરના ભગવતપરા વિસ્તારમાં અગાઉ નોંધાયેલી છેડતીની ફરિયાદના મનદુઃખ બાબતે ંજૂની અદાવતને લઈને પાડોશી પરિવાર વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવતીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
ભગવતપરા વિસ્તારમાં આરોપી જૂથના એક વ્યકિતએ મહિલાની છેડતી કરતા એ વખતે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ વાતનો ખાર રાખીને આજે બનેલા બનાવ માં ભગવતપરામાં જ રહેતા પ્રિતીબેન મનોજભાઈ સોંદરવા (ઉ.૨૨) અને અંજલીબેન મનોજભાઈ સોંદરવા (ઉ.૨૦) સાંજના સમયે તેના ઘર પાસે હતા. આ દરમિયાન ધસી આવેલા નવીન સોલંકી, બાબુ સોલંકી સહિતના શખ્સોએ ઝઘડો શરૂ કરી પાઈપ અને પાવડા વડે હુમલો કરતા પ્રિતીબેન અને અંજલીબેનને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ દરમિયાન પ્રિતીબેનની બહેન વંદનાબેનને પાડોશીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેને બચાવવા પરિવારના સભ્યો વચ્ચે પડતા નવીન ઉર્ફે નરેન્દ્ર બાબુભાઈ અને કિર્તીબેને લોખંડના પાઈપ અને પાવડાથી હુમલો કર્યો હતો. હુમલામાં નવીન સોલંકીએ પ્રિતીબેનના માથામાં પાઈપ મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.બઘડાટી દરમિયાન ૧૪ વર્ષીય સગીર સહિત કુલ ચાર ભાઈ-બહેનોને ઈજાઓ પહોંચી હતી.ઘટના અંગે સિટી પોલીસે નવીન સોલંકી, બાબુ સોલંકી, કેશુબેન, કિર્તીબેન, પાયલબેન અને અન્ય એક મહિલા સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.















