![]()
વડોદરાઃ એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતા ઉપયોગ સામે વૈજ્ઞાાનિકો છેલ્લા કેટલાય સમયથી લાલ બત્તી ધરી રહ્યા છે.કારણકે આ દવાઓના ઓવરડોઝના કારણે બેક્ટેરિયા તેની સામે લડવાની પોતાની ક્ષ મતા ઉત્તરો ઉત્તર વધારી રહ્યા છે.
એમ.એસ.યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગમાં આ વિષય પર છેલ્લા ૧૦ વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે.વિભાગના સંશોધકોનું તારણ છે કે, આ બીમારીની સારવાર માટે વપરાતી લગભગ ૧૪ થી ૧૫ પૈકીની ૫૦ ટકાઓ દવાઓની અસરકારકતા ઘટી ગઈ છે.જેથી ડોકટરોને વધારે ડોઝ વાળી દવાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
માઈક્રોબાયોલોજી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.દેવશ્રી ગજજરના હાથ નીચે પીએચડી કરી રહેલા મિલન રાઠોડ અને જિગરેશ ગોહિલનું કહેવું છે કે, ઈ કોલાઈ, ક્લેબસિએલા ન્યુમોનિયા, સુડોનોમાસ એરુજીનોસા કે કેન્ડિડા નામના કોઈ પણ વાયરસ શરીરમાં જવાથી યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન થાય છે.અમારા સહિત બીજા પીએચડી સંશોધકોએ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી અને ૨૦૨૧ થી અત્યાર સુધી એમ બે તબક્કામાં યુરિનરી ટ્રેક ઈન્ફેકશનના ૩૦૦ જેટલા સેમ્પલનું એનાલિસિસ કર્યું હતું.જેનું તારણ કહે છે કે, ૨૦૨૦ અને તે પછીના ૯૦ ટકા કેસમાં એન્ટિ બાયોટિક દવાઆ બેઅસર પૂરવાર થઈ રહી હોવાનું દેખાયું છે પણ એ પહેલાના સેમ્પલોમાં દવાઓની અસર એટલી હદે નહોતી ઘટી.
ટાયફોઈડના બેકટેરિયા પણ દવાઓ સામે પ્રતિકારક શક્તિ કેળવી રહ્યા છે
સંશોધકોના જણાવ્યા અનુસાર ટાયફોઈડ માટે જવાબદાર સાલમોનેલા ટાઈફી નામના બેકટેરિયા પણ એન્ટિ બાયોટિક દવાઓ સામે પ્રતિકાર શક્તિ કેળવી રહ્યા છે.વડોદરામાં ૨૦૨૨-૨૩માં ટાયફોઈડનો રોગચાળો ફેલાયો હતો અને તે વખતે ૯૦ દર્દીઓના સેમ્પલની માઈક્રોબાયોલોજી વિભાગમાં ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં પણ એન્ટિ બાયોટિક દવાઓની અસર દેખાઈ નહોતી.વર્તમાનમાં નાના બાળકોને ટાયફોઈડ માટે અપાતી માઈલ્ડ એન્ટિ બાયોટિકની અસર થઈ રહી નથી અને બાળકોને વધારે ડોઝવાળી દવાઓ આપવાનો વારો પણ આવી રહ્યો છે.ટાઈફોઈડની બીમારી સામાન્ય રીતે ગંદા પાણીના કારણે થતી હોય છે એટલે જ ઉકાળેલું પાણી પીવાની અને સાફ સફાઈનું ધ્યાન રાખવાની સલાહ અપાતી હોય છે.
ડોકટરોની સલાહ વગર એન્ટિબાયોટિક દવા લેવી હિતાવહ નથી
સંશોધકોનું માનવું છે કે, આપણે ત્યાં ડોકટરોની સલાહ વગર મેડિકલ શોપમાં જઈને બારોબાર એન્ટિ બાયોટિક દવાઓ ખરીદીને લેવાનું ચલણ વધારે છે.જેનાથી વધારે પડતો ડોઝ પણ શરીરમાં જવાની શક્યતા છે.આ ઉપરાંત નાના શહેરોમાં અને ગામડાઓમાં ક્યારેક ડોકટરો પણ જરુર નહીં હોવા છતા વધારે ડોઝવાળી દવાઓ લખતા હોય છે.જે સમય જતા બેકટેરિયાને વધારે શક્તિશાળી બનાવે છે.
બેકટેરિયાની ક્ષમતા કેવી રીતે વધે છે
બેકટેરિયા કેવી રીતે દવાઓનો સામનો કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં સંશોધકોનું કહેવું છે કે, એક બેકટેરિયાનો ડીએનએ દવા સામે લડવાની ક્ષમતા કેળવી લે પછી બેકટેરિયા આ ડીએનએને અન્ય બેકેટરિયાને ટ્રાન્સફર કરે છે અને જોત જોતામાં બીજા બેકેટરિયા પણ દવા સામે લડવાની ક્ષમતામાં વધારો કરવા માડે છે.આવું કેવી રીતે થાય છે અને તે કેવી રીતે રોકી શકાય તે પણ સંશોધનનો વિષય છે.આ ઉપરાંત દરેક બેકેટેરિયામાં એક ઈ ફ્લક્સ પંપ હોય છે.દવા જેવી બેકેટેરિયાને ટાર્ગેટ કરે છે તે સાથે જ આ પંપ દવાને બેકટેરિયામાંથી બહાર ફેંકે છે.જેમ દવાનો ડોઝ વધારે તેમ બેકટેરિયાનો પંપ પણ વધારે ક્ષમતા સાથે કાર્યરત થવાનો પ્રયત્ન કરે છે.















