અમદાવાદ,મંગળવાર
ગુજરાતમાં વ્યાજખોરોનો આંતક ઓછો થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગે થોડા મહિનાઓ પહેલા એક ડ્રાઇવ ચલાવી હતી. જેમાં પોલીસ સ્ટેશન અને ચોકીની બહાર ફરિયાદ બોક્સ પણ મુકાયા હતા. જો કે તે ડઇવ બાદ પણ વ્યાજખોરોનો આતંક ઓછો થતો ન હોય તેમ ગૃહવિભાગે એક મહિના વધુ એક ડ્રાઇવ કરી હતી. જેમાં રાજ્યભરમાંથી માત્ર ૧૩૬ વ્યાજખોરો ઝડપાયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના જ પૈસા વ્યાજે ફેરવવામાં આવતા હોવાથી ભોગ બનનાર ફરિયાદ કરતા ડરતા હોય છે.
રાજ્યમાં વ્યાજખોરોનો આતંક એટલો બધો છે કે લોકો જીવન ટુંકાવવા સુધીના આકરા પગલા ભરતા હોય છે. ગુજરાતમાં પ્રતિદિન વ્યાજખોરો વિરૂદ્ધ અનેક અરજીઓ પોલીસ મથકમાં આવે છે પરંતુ, મોટાભાગના કેસમાં પોલીસ દ્વારા સમાધાન કરાવીને મામલો રફદફે કરાવવામાં આવતા વ્યાજખોરોને નિર્દોષ લોકોને લૂંટવાનું મોકળુ મેદાન મળી જાય છે. કેટલાંક પોલીસ અધિકારીઓ તેમના કાળા નાણાં વ્યાજખોરોને બજારમાં ફેરવવા આપે છે. જેની સામે પ્રતિ માસ દશ ટકા જેટલુ વ્યાજ વસુલવામાં આવે છે. આશરે એક વર્ષ પહેલા રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરો વિરૂદ્ધ મેગા ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં કાર્યવાહી કરવાની સાથે લોકોને ડર વિના ખુલીને સામે આવવા માટે કહ્યું હતું. તેમજ પોલીસ સ્ટેશન અને ચોકીની બહાર વ્યાજખોરો વિરૂદ્ધ અરજી કરવા માટેના બોક્સ પણ મુક્યા હતા.
જો કે પોલીસની આ ઝુંબેશ બાદ પણ સ્થિતિ જૈસે થે હોય તેમ વ્યાજખોરો કાબુમાં લેવામાં સફળતા મળી નથી. પરિણામે હજુ પણ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા સુધીના બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસે ફરી એકવાર ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેગા ડ્રાઇવના નામે નાટક કર્યું હતુ. જેમાં ૧૧૦ ગુના નોંધીને ૧૩૬ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે વ્યાજખોરો વિરૂદ્ધ કરવામાં આવતી અરજીઓમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના સ્ટાફ દ્વારા જ વ્યાજખોરોને બચાવવા અરજીનો બારોબાર નીકાલ કરી દેવામાં આવે છે અને ફરિયાદ ન થાય તે રીતે સમાધાન કરવા માટે ભોગ બનનારને મજબુર કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દાવો કરે છે કે તેમના વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક નથી.















