![]()
MSP Groundnut Payment Status Devbhumi Dwarka : કૃષિ સહાય પેકેજ અને ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણાં મામલે કોંગ્રેસ ખેતી નિયામકને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે, ‘હજારો ખેડૂતોને હજુ એકેય રૂપિયો કૃષિ સહાય નથી મળી…’ દેવભૂમિ દ્વારકા અનેક ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણાં ઘણાં દિવસો બાદ પણ મળ્યા નથી.
ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં બાકી હોવાથી ખેડૂતોમાં રોષ
ખેતી નિયામકને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબર 2025માં જે કમોસમી વરસાદ પડ્યો અને ત્યારબાદ રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું એને સાડા ત્રણ મહિનાનો સમય વીતી જવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1800થી વધારે ખેડૂતોને સહાય પેકેજનો લાભ મળ્યો નથી. ખેડૂતોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજી કરી હોવા છતાં તેઓને સહાય મળી નથી.
કોંગ્રેસની ખેતી નિયામકને રજૂઆત
રાજ્ય સરકારે જ્યારે ટેકાના ભાવે મગફળી, સોયાબીન વગેરે ખરીફ સિઝન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી, ત્યારે રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું હતું કે, “ખેડૂતો મગફળી વેચશે એટલે એમને 7 દિવસમાં પેમેન્ટ મળી જશે” પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5000થી વધારે ખેડૂતો એવા છે કે જેઓએ મગફળી ટેકાના ભાવે આપી અને તેનું બિલ જનરેટ થઈ ગયાના 30 દિવસથી 92 દિવસ થયાં છતાં પણ હજુ સુધી તેમને ટેકાના ભાવે વેચેલ મગફળીના રૂપિયા મળ્યા નથી. ખેડૂતોને સરકારે તેમની સાથે છેતરપીંડી કરી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ખેડૂતોએ 1451ના ટેકાના ભાવે મગફળી વહેલી આપી દીધી અને સરકારે રૂપિયા ત્રણ મહિના સુધી ન આપતા એની સામે આજે મગફળી ખુલ્લા બજારમાં 1600-1700 રૂપિયાના ભાવે વેચાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ સૌ પહેલા દ્વારકા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, ત્યારબાદ ખરીદી કરતી એજન્સી ઇન્ડિ એગ્રોને રજૂઆત કરી હતી. તેમ છતાં નિરાકરણ ન આવતા ગુજરાતના દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ અને ગુજરાતના ખેડૂત આગેવાનોને સાથે રાખી રાજ્યના ખેતી નિયામકને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી
રાજ્યના ખેતી નિયામક દૂધમાંથી પોરા કાઢતા હોય તેમ લુલો બચાવ કરતા કહ્યું હતું કે “ખેડૂતોના ડોક્યુમેન્ટ ક્યાંક મેચ ન થતા હોય એના કારણે બાકી છે અમે ખરીદ એજન્સીઓને કહીશું કે બાકી રહેલા ખેડૂતોને ફોન કરી જાણ કરે કે કયા કયા ડોક્યુમેન્ટના કારણે એમનું પેમેન્ટ અટકેલું છે” ત્યારે પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોને ટેકાના ભાવે વેચેલ મગફળીના રૂપિયા હજુ ન આવ્યા હોય તો કોંગ્રેસ ઓફિસના મોબાઈલ નંબર 9737381668 પર તમારા બીલની એક નકલ વોટ્સઅપ કરવા જણાવ્યું છે. આ પછી કોંગ્રેસ દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવશે.
















