![]()
વંથલીના સાંતલપુર નજીકના બનાવથી તંગદિલી, બંદોબસ્ત ગોઠવાયો : રોડની સાઈડમાં ઊભા હતા ત્યાં રેતીનું વહન કરતા ડમ્પરે બાઇકને હડફેટે લઈ લીધું, પુત્રની નજર સામે માતાનાં મોતથી ગમગીની
શાપુર, : વંથલીના સાંતલપુર નજીક રેતી વહન કરતા ડમ્પરના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા બાઈકને હડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને સળગાવી દીધુ હતું. આ વિસ્તારમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરના કારણે લોકોના જીવ પર જોખમ રહે છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખનન પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે.
વંથલી તાલુકાના કણઝા વિસ્તારમાં રહેતા ઉમેશ કિશોરભાઈ ગોહેલ, તેમના માતા સવિતાબેન કિશોરભાઈ ગોહેલ તથા ઉમેશભાઈનો પુત્ર શિવમ બાઈક પર ખેતરેથી ઘરે પરત જતા હતા ત્યારે સાંતલપુર નજીક સામેથી ડમ્પર આવતા બાઈક રોડની સાઈડમાં ઉભું રાખી દીધુ હતું તેમ છતાં ડમ્પરચાલકે હડફેટે લેતા સવિતાબેનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. પુત્રની નજર સામે જ માતાનું મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી. આ અકસ્માત અંગે લોકોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને સળગાવી દીધુ હતું. ડમ્પર ચાલકને પોલીસના હવાલે કર્યો હતો.
આ ઘટનાના પગલે વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત કરનાર ડમ્પરચાલકને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હોવાનું અથવા ભાગી જવા દેવાયો હોવાની અમને શંકા છે આથી આ બાબતે પારદર્શક તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી માંગ કરી છે.















