![]()
Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે રાજકીય માહોલ ગરમાયો છે. બાપુનગર હોમગાર્ડ ઓફિસમાં ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં જ બેલેટ પેપર પર સિક્કા મારવામાં આવતા હોવાની ઘટના સામે આવતા કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ચૂંટણી અધિકારી ગાયબ અને બેલેટ પેપર ખુલ્લા!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુનગર, સરસપુર અને ગોમતીપુરના જવાનોને સાંજે 5 વાગ્યા પછી મતદાન કરવા જણાવાયું હતું. જોકે, મોડી સાંજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મતદાન મથક પર કોઈ પણ ચૂંટણી અધિકારી હાજર નહોતા. બેલેટ પેપર કોઈ પણ સુરક્ષા વિના ખુલ્લા કવરમાં જોવા મળ્યા હતા.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, હોમગાર્ડ જવાનોની ગેરહાજરીમાં જ તેમના નામે બારોબાર સિક્કા મારવામાં આવી રહ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી
કોંગ્રેસના ઉમેદવારના ધરણાં અને ચૂંટણી પંચમાં ફરિયાદ
આ ઘટનાને પગલે નાગજી દેસાઈ અને તેમના સમર્થકોએ હોમગાર્ડ ઓફિસની બહાર જ રામધૂન બોલાવી ધરણાં શરૂ કર્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીને નિષ્પક્ષ બનાવવાના દાવા વચ્ચે આ રીતે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે રાજ્ય ચૂંટણી પંચને પુરાવા સાથે લેખિત જાણ કરવામાં આવી છે.
સુરક્ષા અને નિષ્પક્ષતા સામે સવાલો
અગાઉ પણ એવી ફરિયાદો કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદારો કે જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવે છે, તેમને ચૂંટણીલક્ષી કામગીરીથી દૂર રાખવા જોઈએ. આમ છતાં, કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં થયેલું આ મતદાન શંકાના ઘેરામાં આવ્યું છે.















