![]()
– ઈરાન, અમેરીકા અને ઈઝરાયલના તણાવની અસર જોવા મળી
– જરૂરિયાતના માત્ર ૨૫ ટકા ગેસનો પુરવઠો મળતા અલંગમાં રિસાક્લિંગ પ્રવૃતિ પણ ધીમી પડી
ભાવનગર : નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા મહિનામાં અલંગમાં રિસાક્લ થવા માટે આવતા શિપની સંખ્યા અંદાજ કરતા ઓછી થઈ છે. શિપ બ્રેકિંગ વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રોના અનુમાન પ્રમાણે માર્ચમાં અલંગમાં ૨૦થી ૨૫ શિપ આવવાનો અંદાજ હતો. પરંતુ ઈરાન, અમેરીકા અને ઈઝરાયલ વચ્ચેના તણાવની સ્થિતિના કારણે માર્ચ મહિનામાં માત્ર સાત જ શિપ આવ્યા છે. બીજી તરફ અલંગમાં ગેસની જરૂરિયાતના માત્ર ૨૫ ટકા જ ગેસનો પુરવઠો મળતો હોવાથી શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ ધીમી પડી છે.
અલંગમાં ફેબુ્રઆરી મહિનામાં ૧૬ શિપ રિસાકલ થવા માટે આવ્યા હતા અને તે બાદથી આંતરરાષ્ટ્રીય પરિબળો જોતા અલંગમાં માર્ચ મહિનામાં ૨૦થી ૨૫ શિપ આવે તેવું અનુમાન શિપ બ્રેકિંગ વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ઈરાન, અમેરીકા અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા તણાવની સીધી અસર શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં પણ જોવા મળી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા મહિના માર્ચમાં અલંગમાં માત્ર ૭ શિપ જ રિસાકલ થવા માટે બીચ થયાં છે. બીજી તરફ અલંગમાં જરૂરિયાતના માત્ર ૨૫ ટકા ગેસનો પુરવઠો મળતો હોવાથી રિસાક્લિંગ પ્રવૃતિ પણ ધીમી પડી છે. અત્યાર સુધી શિપ બ્રેકરો પાસે ગેસનો સ્ટોક હોવાથી શિપ બ્રેકિંગ કામગીરી ચાલી રહી છે. પરંતુ આગામી દિવસોમાં સ્થિતિ ચિંતાજનક થાય તેવા આસાર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ગત નાણાંકીય વર્ષની સરખામણીએ સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અલંગમાં ૧૧૩ શિપ આવ્યા હતા. જ્યારે ૨૦૨૫-૨૬માં ૧૧૯ શિપ આવ્યા છે અને સાથે ટનેજની દ્રષ્ટિએ પણ સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કોઈ ચોક્કસ સમયગાળામાં શિપની સંખ્યા ૧૫થી ૧૬ સુધી પહોંચી જાય છે અને ક્યારે ૩થી ૪ પર આવી જાય છે. જેની પાછળનું કારણ ડોલરના ભાવ અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતા કારણભૂત છે.
છેલ્લા બે નાણાંકીય વર્ષમાં અલંગમાં આવેલા શિપ
|
માસ |
૨૦૨૪-૨૫ |
૨૦૨૫-૨૬ |
|
એપ્રિલ |
૩ |
૯ |
|
મે |
૧૨ |
૪ |
|
જુન |
૧૦ |
૮ |
|
જુલાઈ |
૪ |
૧૨ |
|
ઓગસ્ટ |
૧૦ |
૧૧ |
|
સપ્ટેમ્બર |
૭ |
૧૫ |
|
ઓક્ટોબર |
૧૨ |
૧૬ |
|
નવેમ્બર |
૧૪ |
૧૧ |
|
ડિસેમ્બર |
૧૦ |
૪ |
|
જાન્યુઆરી |
૧૦ |
૬ |
|
ફેબુ્રઆરી |
૧૦ |
૧૬ |
|
માર્ચ |
૧૧ |
૭ |
|
કુલ |
૧૧૩ |
૧૧૯ |















