![]()
મુંબઈ : મોટાભાગના સેગમેન્ટસમાં વધારાને પરિણામે બિન-જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવકમાં એપ્રિલમાં ૮.૩૦ ટકા જેટલો વધારો થવા પામ્યો છે. એપ્રિલમાં બિન-જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૩૬૪૧૭.૬૭ કરોડ રહી હતી. ગત નાણાં વર્ષમાં આરોગ્ય વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૧.૪૦ લાખ કરોડ રહી હતી.
જનરલ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા પ્રમાણે, સામાન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક ૫.૭૦ ટકા વધી રૂપિયા ૩૨૩૪૯.૨૦૯ કરોડ રહેવા પામી છે. સ્પેશિયલાઈઝડ વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક ૩૧.૬૦ ટકા વધી રૂપિયા ૧૨૨.૯૫ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે.
ગયા વર્ષના એપ્રિલમાં સામાન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવકમાં ૧૩.૯૦ ટકા વધારો થયો હતો.
દરમિયાન નાણાં વર્ષ ૨૦૨૬માં દેશના બિન-જીવન વીમા ક્ષેત્રમાં આરોગ્ય વીમાનો હિસ્સો વધીને ૪૦.૮૦ ટકા પહોંચી ગયો હતો, જે નાણાં વર્ષ ૨૦૨૫માં ૩૮.૬૦ ટકા હતો.
આરોગ્ય વીમા કંપનીઓની પ્રીમિયમ મારફતની આવક પણ ગત નાણાં વર્ષમાં ૧૫.૪૦ ટકા વધી રૂપિયા ૧.૪૦ લાખ કરોડ રહી હતી. નોન-લાઈફ ક્ષેત્રમાં એકંદર વૃદ્ધિ ૯.૩૦ ટકા રહી રૂપિયા ૩.૪૦ લાખ કરોડ રહી હતી.
ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને કારણે ઊંચી રકમના વીમા માટેની માગમાં વધારો થઈ રહ્યાનું જોવા મળે છે, એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.















