![]()
૩ હોટલોમાં કોલ્ડ્રીંક્સની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાતા હતાં
બે ગેસ એજન્સી અને એક ફોર વ્હીલ સર્વિસ સેન્ટરના કાંટા-માપની ખરાઇ ન કરાવતા દંડાયા
ભાવનગર – જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા ગ્રાહકોની સુરક્ષા જાળવવા તબક્કાવાર મોબાઇલ ચેકિંગ ડ્રાઇવ ગોઠવતા હોય છે. તો હાલ ઓનલાઇનના યુગમાં સુરતની કંપની પાસે ડિટર્જન્ટ લીક્વીડ મંગાવાયા બાદ પાંચ લીટરમાં ૮૦૦ એમ.એલ. ઓછુ નિકળતા નિયત એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ સાથે વજન માપના છ કેસ અને પીસીઆરના ૩ કેસ કરી કુલ ૯૨ હજાર દંડની વસૂલાત ગત માસમાં કરી હોવાનું જણાયું છે.
મળતી વિગતો મુજબ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ સુરતની કંપની કુલીપકાર્ટ પર ઓનલાઇન ડિટર્જન્ટ લીક્વીડનું વેચાણ કરે છે. ઓનલાઇન ગ્રાહકે મંગાવી જથ્થો ચેક કરતા ૫ લીટરે ૮૦૦ એમ.એલ. જેટલો જથ્થો ઓછો નીકળતા તોલમાપ ઓફીસ દ્વારા કંપની સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અન્વયે પ્રોસીક્યુશન કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જિલ્લાની ૩ હોટલો દ્વારા કોલ્ડ્રીંક્સ તેમજ આઇસ્ક્રીમમાં છાપેલી કિંમત કરતા વધારે ભાવ વસૂલ કરતી હોય આ હોટલો સામે પ્રો.કેસ કરી ધી પેકેજ કોમોડીટી રૃલ્સ-૨૦૧૧ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તો ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ગેસ સિલીન્ડરનું પુરૃ વજન-જથ્થો મળી રહે તે માટે વજન કાંટો નિયમિત ફેર ચકાસણી કરાવવાનો હોય છે. કુલ-૨ ગેસ એજન્સી દ્વારા વજન-કાંટા ચકાસણી મુદ્રાંકન કરાવેલ ન હોવાનું માલુમ પડતા કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૨ વે બ્રીજ એકમો દ્વારા નિયત સમયમાં વે બ્રીજની ચકાસણી મુદ્રાંકન કરાવેલ ન હોઇ કાર્યવાહી કરેલ છે. ફોર વ્હીલ કારના સર્વિસ સેન્ટર દ્વારા કારના એન્જીન ઓઇલ નાખવા માટે વપરાતુ માસ કુલોમીટર ચકાસણી મુદ્રાંકન કરાવ્યા વગર વપરાશમાં લેતા કાર સર્વિસ સેન્ટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આમ વજન-માપના કુલ ૬ અને પીસીઆરના ૩ મળી ૯ કેસ કરી કુલ રૃા.૯૨ હજારની દંડ પેટે માંડવાળ ફી વસૂલવામાં આવી હતી.
જિલ્લાના ૩૩૫ વેપારીઓએ ૪૭૩ વજન-માપ સાધનોની ખરાઇ કરાવી
દરેક વાર્ષિક કે દ્વિ-વાર્ષિક વેપારીઓ દ્વારા નિયત સમય મર્યાદામાં પોતાના વજન-માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન પ્રક્રિયા કરાવવાની હોય છે. જિલ્લા તોલમાપ વિભાગે ૪૧૪ નિરીક્ષણ કર્યાં હતાં. જ્યારે ૩૩૫ વેપારીઓના ૪૭૩ વજન-માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરવામાં આવ્યું હતું. જે પેટે તંત્રને ગત માસમાં ૩.૮૧ લાખ ફીની આવક થવા પામી હતી.















