![]()
વડોદરા,સરદાર એસ્ટેટની કંપનીમાં નોકરી કરતા એકાઉન્ટન્ટેે ત્રણ વર્ષ દરમિયાન કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપતનો ભાંડો ઓડિટ દરમિયાન ફૂટી જશે, તેવા ડરથી કબૂલાત કરી મરી જવાનો કાગળ લખી માલિક સુધી પહોંચાડયો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાસણા ગોત્રી રોડ શ્રી મોતી બંગ્લોમાં રહેતા કલ્પેશભાઇ અશોકભાઇ પટેલની આજવારોડ સરદાર એસ્ટેટમાં મસાલા મિલ છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અમારી ફેક્ટરીમાં છેલ્લા ૧૨ વર્ષની એકાઉન્ટન્ટ તરીકે રાકેશ પ્રભાતસિંહ પરમાર (રહે. માધવ રેસિકોમ પ્લાઝા, ખોડિયારનગર) નોકરી કરતો હતો. ફેક્ટરીનો તમામ હિસાબ તેમજ ખરીદ, વેચાણની વિગતો પણ તે રાખતો હતો. પેમેન્ટની કામગીરી પણ તે કરતો હતો. ગત ૩ જી માર્ચેે કંપની પર ઓડિટની ટીમ આવી હતી. હું સવારે ૧૦ વાગ્યે ફેક્ટરી પર આવ્યો ત્યારે ફેક્ટરીમાં કામ કરતા શૈલેષભાઇએ મને એક કવર આપી કહ્યું કે, રાકેશ તમને કવર આપવાનું કહીને ગયો છે. મેં કવર ખોલતા તેમાં એક કાગળ હતો. જેમાં એવું પણ લખ્યું હતું કે, મારાથી શેરબજારમાં ૮ કરોડનો લોસ થઇ ગયો છે. હું તો મરી જઇશ. આના સિવાય મારા પાસે કોઇ ઓપ્શન નથી.
આ સાથે તેણે સ્ટેટમેન્ટની નકલ પણ રાખી હતી. મેં તેને કોલ કરતા તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. મેં ફેક્ટરીના એકાઉન્ટ ચેક કર્યા હતા.રાકેશે તા. ૦૧-૧૨- ૨૦૨૨ થી તા.૨૫-૦૨-૨૦૨૬ દરમિયાન ૧૪.૦ ૯ કરોડ રૃપિયાની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.
હું તમને દર મહિને બે લાખ આપીશ, બાકી તો મરી જઇશ
મારા ફેમિલીને હેરાન ના કરશો, બને તો માફ કરી દેજો
વડોદરા,
કંપની માલિકે ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાકેશે લેટરમાં એવું પણ લખ્યું હતું કે, સાહેબ શ્રી કલ્પેશભાઇ મારાથી ભૂલ થઇ છે, એ બહુ મોટી ભૂલ છે, જે માફીને લાયક નથી. એવી ભૂલ કે જે માટે મરી જવું પડે. મારાથી તમારી સામે ઊભા રહેવાની કે બોલવાની તાકાત નથી. મારાથી શેરબજારમાં લોસ થયો છે. મેં કંપનીમાંથી પૈસા લીધા હતા. મારા પાસે ત્રણ ઓપ્શન છે. (૧) મરી જઇશ (૨) જેલ અને (૩) દર મહિને તમને ૨ લાખ ચૂકવી દઇશ. મારા ફેમિલીને ખબર નથી. મેં કોઇને પૈસા આપ્યા નથીે. બને તો મારા ફેમિલીને હેરાન ના કરશો. મરતા પહેલા ફોન કરીશ. બને તો માફ કરી દેજો. જય મહાકાલ. તમે કહેશો એ રીતે બધું કરીશ. હંુ જેલમાં જઇને પણ તમારા પૈસા આપી શકું નહીં. એટલે હું દર મહિને બે લાખ આપીશ, બાકી તો મરી જઇશ.















