![]()
તલાટી મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી તેવી બે વર્ષમાં એક જ ફરિયાદ : સરકારે વિધાનસભામાં દાવો કર્યો કે તલાટી હાજર રહેતા નથી તેવી કોઈ ફરિયાદ નથી : બીજી તરફ ભાજપ પ્રમુખે રજૂઆત કરી કે ગામડામાં તલાટીઓ હાજર રહેતા નથી
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં 500થી વધુ ગ્રામ પંચાયતોમાંથી માત્ર 124 ગ્રામ પંચાયતોમાં જ તલાટી મંત્રીઓને આવાસની વ્યવસ્થા છે. જ્યારે સરકારે વિધાનસભામાં દાવો કર્યો છે કે, ગામડામાં તલાટી મંત્રી ઉપલબ્ધ ન રહેતા હોવાની માત્ર એક ફરિયાદ મળી છે. જેની સામે બીજી તરફ આજે ખુદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ જ કલેકટરને રજૂઆત કરી છે કે ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રી સમયસર હાજર રહેતા નથી અને રેવન્યુ તલાટી પણ હાજર રહેતા નથી, તાત્કાલિક આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે. આમ ભાજપની સરકારનો વિધાનસભામાં જવાબ તથા ભાજપ પ્રમુખની તે જ મુદ્દે ફરિયાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાજ્યના તલાટી મંત્રીઓ તેના મથક પર રહી શકે તે માટે પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ બાંધી આપવાની સવલત આપવામાં આવે છે કે કેમ તેના જવાબમાં સરકારે હા પાડી હતી. તા.31-1-2026 ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં તાલુકા વાર કેટલા ગામમાં પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસની સવલત ઉપલબ્ધ છે તેના જવાબમાં સરકારે દાવો કર્યો કે જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં કુલ ૧૨૪ પંચાયતમાં પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ ઉપલબ્ધ છે. આવાસની સુવિધા હોવા છતાં તલાટી મંત્રી પોતાના મથક ઉપર રહેતા ન હોવા અંગે તાલુકાવાર છેલ્લા બે વર્ષમાં ફરિયાદો મળી છે કે કેમ તેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી કે એકમાત્ર વંથલી તાલુકાના સુખપુર ગામની ફરિયાદ મળી છે ત્યાં જર્જરીત મકાન હોવાથી તલાટી મંત્રી હાજર રહેતા નથી અને નવા મકાન બનાવવા માટેની દરખાસ્ત કરી છે.
જ્યારે બીજી તરફ આજે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કલેકટરને રજૂઆત કરી છે કે, જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ પોતાના ગામમાં સમયસર હાજર રહેતા નથી અને રેવન્યુ મંત્રી પણ હાજર રહેતા નથી. આવી સ્થિતિના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તાત્કાલિક આ અંગે યોગ્ય નિરાકરણ કરવા રજૂઆત કરી છે. આમ વિધાનસભામાં જણાવાયું હતું કે તલાટી મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી તેવી બે વર્ષમાં એક જ ફરિયાદ આવી છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખે જ સરકારના દાવાનો છેદ ઉડાડી દીધો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ગામડાઓમાં તલાટીઓ હાજર રહેતા નથી. આ મુદ્દા પરથી કાં તો સરકારનો વિધાનસભામાં આપેલો જવાબ ખોટો છે કાં તો જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત ખોટી છે તેવું સ્પષ્ટ સાબિત થાય છે.















