વડોદરાઃ ભણશે ગુજરાતના સૂત્ર હેઠળ રાજ્ય સરકાર પ્રવેશોત્સવ,ડ્રોપઆઉટ રેશ્યોે ઘટાડવા અને સરકારી પ્રાથમિક સ્કૂલોની ગુણવત્તા નક્કી કરી તેને આગળ લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં સરકારી સ્કૂલ નહિ હોવાથી બાળકો મદ્રેસામાં ભણી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.
ડભોઇ તાલુકાના મહંમદપુરા ગામે વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ-૧ થી ૫ ની પ્રાથમિક સ્કૂલ ચાલતી હતી.પરંતુ ઓક્ટોબર-૨૦૨૪માં આ સ્કૂલ જર્જરિત હોવાનું જણાતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષણ સમિતિએ શાળા તોડી પાડવાનો નિર્ણય લીધો હતો.
સ્કૂલ તોડી પાડયા બાદ ૪૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિનો કોઇ વિચાર કરાયો નહતો.પરિણામે આ વિદ્યાર્થીઓને ક્યાં બેસીને અભ્યાસ કરવો તેનો સવાલ ઉભો થયો હતો.આખરે કોઇ જગ્યા નહિ મળતાં વિદ્યાર્થીઓ માટે મદ્રેસામાં હંગામી વ્યવસ્થા કરાઇ હતી.
દોઢ વર્ષ થઇ ગયું હોવા છતાં નવી સ્કૂલ નહિ બનતાં બાળકોને મદ્રેસામાં શિક્ષણ લેવું પડી રહ્યું છે.પરિણામે,શિક્ષકો અને વાલીઓમાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપી છે.જિલ્લા પંચાયતની નડા બેઠક પરથી હાલમાં ચૂંટાયેલા ભાજપના સદસ્ય ભાવેશ પટેલે આ મુદ્દો ઉઠાવતાં વહીવટી અધિકારીઓએ દોડધામ મચાવી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવો એક જ જવાબ આપતાં આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે એક વર્ષથી મહત્વના બબ્બે ચાર્જ
વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે પાસે એક વર્ષથી બબ્બે મહત્વના ચાર્જ હોવાથી તેઓ પુરતું ધ્યાન આપી નહિ શકતા હોવાની અગાઉ રજૂઆતો થઇ હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે વડોદરા જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારીનો પણ લાંબા સમયથી ચાર્જ છે.પરિણામે જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં અવારનવાર કોઇને કોઇ મુદ્દા ચર્ચાનો વિષય બનતા હોય છે.
એક સપ્તાહ પહેલાં ડભોઇ તાલુકાના ૫૦૦ થી વધુ શિક્ષકોના પગારમાં ફરી એક વાર વિલંબ થતાં ઊહાપોહ થયો હતો. શિક્ષકોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી.
ડભોઇની કનાઇડા સ્કૂલના વિવાદ પરથી જિલ્લા પંચાયતે બોધ ના લીધો
કનાઇડામાં સ્કૂલ તોડી પાડતાં બાળકો કબ્રસ્તાન અને દૂધ ઘરમાં ભણતા હતા
ચાર વર્ષ પહેલાં ગ્રામજનોએ જિલ્લા પંચાયતખાતે મોરચો લાવતાં બેવર્ષ બાદ સ્કૂલ બની હતી
ચાર વર્ષ પહેલાં ડભોઇ તાલુકાના કનાઇડા ગામે આવી જ રીતે સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં જુદાજુદા ધોરણના બાળકોને જુદીજુદી જગ્યાએ બેસીને ભણવાનો વખત આવ્યો હતો.
કનાઇડા ગામે જર્જરિત બિલ્ડિંગ તોડી પાડતાં બાળકો સલવાયા હતા.નવું સત્ર ચાલુ થતાં ધોરણ ૧થી૩ના બાળકોને દૂધ ઘરમાં,ધોરણ-૪ અને ૫ના બાળકોને પંચાયત ઘર તેમજઅન્ય વર્ગના બાળકોને મદ્રેસા તેમજ કબ્રસ્તાનના શેડમાં ભણવાનો વખત આવ્યો હતો.
ગ્રામજનોએ મોરચો લાવી રજૂઆત કરતાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવા જવાબ અપાયા હતા.આખરે બે વર્ષ બાદ નવી સ્કૂલ બની હતી.આમ,આ કિસ્સા પરથી પણ જિલ્લા પંચાયતના સત્તાધીશોએ કોઇ બોધ નહિ લેતાં હવે મહંમદપુરા ગામના વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વખત આવ્યો છે.
સ્કૂલ માટે તાત્કાલિક ભાડાનું મકાન શોધવા કલેક્ટરનો આદેશ
મહંમદપુરા ગામના બાળકોને મદ્રેસામાં શિક્ષણ લેવું પડતું હોવાથી નડા ગામના જિલ્લા પંચાયચતના સદસ્યએ રજૂઆતો કરી હતી.જેથી આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે મળેલી સંકલનની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવતાં કલેક્ટરે નવી સ્કૂલ ના બને ત્યાં સુધી તાત્કાલિક ભાડાનું મકાન શોધી તેમાં સ્કૂલ શરૃ કરવાનો પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ આપ્યો છે.















