![]()
Supreme Court News : સુપ્રીમ કોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 અઠવાડિયાના ગર્ભપાત મામલે સુનાવણી કરતા માનવીય સંવેદનાઓને સ્પર્શે તેવું વલણ અપનાવ્યું છે. AIIMS દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પર અનિચ્છનીય ગર્ભાવસ્થા થોપી શકાય નહીં.
કેસની પૃષ્ઠભૂમિ અને AIIMSની રજૂઆત
15 વર્ષની એક સગીરા દુષ્કર્મનો શિકાર બની હતી અને તે 30 અઠવાડિયાની ગર્ભવતી હતી. અગાઉ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી, જેની સામે AIIMS એ ફરી અપીલ કરી હતી. AIIMS ના ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ મામલો ‘બાળકી વિરુદ્ધ ભ્રૂણ’ નો નથી પરંતુ ‘બાળકી વિરુદ્ધ બાળકી’ (નાની ઉંમરમાં મા બનવું) નો છે. જો ગર્ભપાત કરવામાં આવે તો સગીરાને ભવિષ્યમાં શારીરિક સમસ્યાઓ થઈ શકે છે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણીઓ
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે પીડિતા પોતે એક બાળકી છે. જે ઉંમરે તેણે ભણવું જોઈએ, તે ઉંમરે તેને મા બનવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. તેણે જે પીડા અને અપમાન સહન કર્યું છે તેની કલ્પના કરો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ. AIIMS એ માત્ર તેમને સાચું માર્ગદર્શન અને કાઉન્સિલિંગ આપવું જોઈએ. જ્યારે ગર્ભાવસ્થા દુષ્કર્મનું પરિણામ હોય, ત્યારે ગર્ભપાત માટે કોઈ સમય મર્યાદા (Time Limit) હોવી જોઈએ નહીં.
કેન્દ્ર સરકારને કાયદામાં ફેરફારની સલાહ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદામાં ફેરફાર કરવા અંગે વિચારવા જણાવ્યું છે કે દુષ્કર્મ પીડિતાઓને 20 અઠવાડિયા પછી પણ અનિચ્છનીય ગર્ભાવસ્થા ખતમ કરવાની મંજૂરી મળવી જોઈએ. દુષ્કર્મ સંબંધિત કેસોની સુનાવણી એક અઠવાડિયામાં પૂર્ણ થાય તેવું આયોજન હોવું જોઈએ જેથી પીડિતાએ લાંબો સમય માનસિક ત્રાસ ન ભોગવવો પડે.















