![]()
Jamnagar : જામનગર શહેરના ત્રણબત્તી નજીક આવેલા સ્ટાર લાઇટ બિલ્ડિંગમાં આજે બપોરે આગની ઘટના સર્જાતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. મળતી માહિતી મુજબ આજે બપોરે અંદાજે 12.10 વાગ્યાના અરસામાં બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં આવેલા મીટર રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગ લાગતા ઇલેક્ટ્રિક મીટરોમાં ચિંગારીઓ સાથે ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં મીટરો સળગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસી હિતેશભાઈએ તાત્કાલિક ફાયર વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી.
જાણ મળતા જ ફાયર શાખાની ટીમ ફાયર ફાઇટર સાથે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે સૌપ્રથમ પીજીવીસીએલની મદદથી વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી.
સમયસર કાર્યવાહી થતાં આગ બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આગ લાગતા સમગ્ર બિલ્ડિંગમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં હાજર રહેલા લોકો તાત્કાલિક નીચે ઉતરીને બહાર આવી ગયા હતા. સદનસીબે આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવતા કોઈ જાનહાની કે ઇજા થવા પામી નહોતી, જેથી રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે મીટર પેનલ, મીટર હોલ્ડિંગ તથા ઇલેક્ટ્રિક વાયરિંગને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લઈને સ્થળને સુરક્ષિત જાહેર કર્યું હતું.















