Agni Missile MIRV Technology Test India: ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટૅક્નોલૉજીથી સજ્જ અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ અદ્યતન ટૅક્નોલૉજી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.
ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવાર, 8 મે 2026 ના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ આઇલૅન્ડ પરથી મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) સિસ્ટમથી સજ્જ ઍડ્વાન્સ ‘અગ્નિ'(Agni) મિસાઇલનું સફળ ફ્લાઇટ-ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટૅક્નોલૉજી સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. જે એક જ મિસાઇલ દ્વારા અલગ-અલગ ભૌગોલિક વિસ્તારોમાં અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
MIRV ટૅક્નોલૉજીની તાકાત
આ પરીક્ષણ દરમિયાન, મિસાઇલને મલ્ટિપલ પેલોડ્સ (હથિયારો) સાથે લોન્ચ કરવામાં આવી હતી. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા વિવિધ લક્ષ્યોને આ મિસાઇલે ચોકસાઇપૂર્વક વીંધ્યા હતા. સામાન્ય મિસાઇલ માત્ર એક જ લક્ષ્ય પર પ્રહાર કરે છે, જ્યારે MIRV ટૅક્નોલૉજીથી સજ્જ અગ્નિ મિસાઇલ એકસાથે અનેક શહેરો કે સૈન્ય મથકોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ચોકસાઈ અને ટ્રેકિંગ
DRDO (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત આ મિસાઇલના ટ્રેકિંગ માટે જમીન અને જહાજ આધારિત અનેક સ્ટેશનો તૈનાત કરવામાં આવ્યા હતા. લિફ્ટ-ઑફથી લઈને પેલોડના ઇમ્પેક્ટ સુધીની તમામ ક્ષણોનું ટેલીમેટ્રી ડેટા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ ડેટા પુષ્ટિ કરે છે કે, મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
રક્ષામંત્રીની અભિનંદન વર્ષા
રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, ભારતીય સેના અને આ પ્રોજેક્ટમાં જોડાયેલા ઉદ્યોગોને આ મોટી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “આ સફળતા વધતાં જતાં જોખમો સામે દેશની સંરક્ષણ સજ્જતામાં અતુલ્ય ક્ષમતા ઉમેરશે.” આ મિસાઇલના વિકાસમાં દેશભરના ઉદ્યોગોએ DRDOને સહયોગ આપ્યો છે.
MIRV ટૅક્નોલૉજીની વિશેષતાઓ અને ખાસિયતો
એક જ મિસાઇલ, અનેક લક્ષ્ય – MIRV ટૅક્નોલૉજીની મુખ્ય ખાસિયત એ છે કે તે એક જ મિસાઇલ દ્વારા અનેક પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
સ્વતંત્ર નિશાન – આ મિસાઇલમાંથી છૂટા પડતાં દરેક હથિયારને (રી-એન્ટ્રી વ્હીકલ) અલગ-અલગ દુશ્મન લક્ષ્યો પર સ્વતંત્ર રીતે ત્રાટકવા માટે સેટ કરી શકાય છે.
સુરક્ષા કવચને ભેદવામાં સક્ષમ- એકસાથે અનેક હથિયારો અલગ-અલગ દિશામાં છોડવાને કારણે દુશ્મન દેશની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું અત્યંત મુશ્કેલ બની જાય છે.
વ્યૂહાત્મક સરસાઈ- ભારત હવે વિશ્વના એવા જૂજ દેશોની યાદીમાં સામેલ થયું છે જેઓ આ જટિલ ટૅક્નોલૉજી ધરાવે છે.
આ પરીક્ષણ સાથે ભારતે પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં નવી ઊંચાઈ હાંસલ કરી છે, જે દેશની સુરક્ષા માટે એક મજબૂત કવચ સાબિત થશે. ખાસ કરીને ત્યારે જ્યારે પાડોશમાં પાકિસ્તાન અને ચીન જેવા અવળચંડા પાડોશી હોય ત્યારે ભારત પાસે આ શક્તિ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
















