![]()
વડોદરા, તા.1 દક્ષિણ ભારતથી ગુજરાતમાં આવતી લાંબા અંતરની ટ્રેનમાં ફરી એક વખત ગાંજાના જથ્થાની હેરાફેરી ઝડપાઇ છે. કોઇમ્બતુર-જયપુર સ્પેશિયલ ટ્રેનના કોચમાં શૌચાલય પાસે મૂકેલા એક થેલામાં રૃા.૧૧ લાખ કિંમતનો ૨૨ કિલો ગાંજાનો જથ્થો રેલવેએ ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોઇમ્બતુર-જયપુર સ્પેશિયલ ટ્રેનના બી-૧૨ કોચના બાથરૃમ પાસે શંકાસ્પદ સામાન ભરેલ પ્લાસ્ટિકની થેલી પડેલી છે તેવો મેસેજ ટ્રેનમાં હાજર રેલવે કર્મચારીએ આરપીએફને આપતા આરપીએફ તેમજ પોલીસ દ્વારા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર આવતા કોચમાં તપાસ કરી હતી. કોચના બાથરૃમ પાસે એક મીણીયા કોથળો અને આસમાની કલરની ટ્રોલીબેગ પડેલી હતી. પોલીસે ટ્રોલીબેગમાં તપાસ કરતા તે ખાલી જણાઇ હતી.
દરમિયાન કોથળો તેમજ બેગને નીચે ઉતારી તપાસ હાથ ધરવામાં આવી હતી મીણીયા કોથળામાં ખાખી કલરની સેલોટેપ વિંટાડેલ ૧૧ પેકેટો મળ્યા હતાં. એક પેકેટ ખોલીને તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય નશીલો પદાર્થ હોવાનું જણાયું હતું. આ અઁગે એફએસએલની મદદ લેતા તે નશાકારક ગાંજાનો જથ્થો હોવાનો રિપોર્ટ મળતા પોલીસે કુલ રૃા.૧૧ લાખ કિંમતનો ૨૨ કિલો ગાંજો મૂકેલ ૧૧ પેકેટો કબજે કર્યા હતાં અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.















