![]()
મુંબઈ : ૨૦૨૪ નતથા ૨૦૨૫માં ઊંચા મૂલ્યાંકને પોતાની હસ્તકના શેરોમાંથી આંશિક શેરોનું વેચાણ કરી ચૂકેલા અનેક કંપનીઓના પ્રમોટરોએ ૨૦૨૬માં શેરોની ખરીદી શરૂ કરી હોવાનું જોવા મળી રહ્યું છે.
એક રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે દેશમાં ૪૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓમાંથી ૭૦૦ જેટલી કંપનીના પ્રમોટરોએ વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં પોતાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે. નીચા વેલ્યુએશને પ્રમોટરો હોલ્ડિંગમાં વધારો કરી રહ્યા છે.
ગોદરેજ પ્રોપર્ટીસ, ચમ્બલ ફર્ટિલાઈઝર્સ સહિતની કેટલીક કંપનીઓ તો છેલ્લા ચાર ત્રિમાસિકથી હોલ્ડિંગમાં વધારો કરી રહી છે. જ્યારે બીજી કેટલીક કંપનીઓએ માર્ચ ત્રિમાસિકમાં શેરોની ખરીદી કરી છે.
અમેરિકાના ટેરિફ વિવાદ તથા ઈરાન યુદ્ધને કારણે શેરોના ભાવમાં જોવા મળેલા ઘટાડાનો લાભ લઈ પ્રમોટરો પોતાની પાસેની વધારાની કેશનો ઉપયોગ હોલ્ડિંગમાં વધારો કરવા માટે કરી રહ્યા છે.
ખુલ્લા બજારમાંથી ખરીદી ઉપરાંત સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટરો પાસેથી શેરો મેળવાઈ રહ્યા છે, એમ રિપોર્ટમાં જણાવાયું હતું.
વેલ્યુએશનમાં સાનુકૂળતાને પગલે પ્રમોટરોના રસમાં વધારો થયો છે. જો કે કેટલીક કંપનીઓમાં વિરોધાભાષી ચિત્ર પણ જોવા મળી રહ્યું છે. ૪૬૫ જેટલી કંપનીઓ એવી છે જેમાં માર્ચ ત્રિમાસિકમાં પ્રમોટરોએ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે.
૨૦૨૪ તથા ૨૦૨૫માં પ્રમોટરોએ એકંદર ૫૬ અબજ ડોલરના શેરોનું વેચાણ કર્યું હતું. આમાંથી ૩૬ અબજ ડોલરના શેરોનું વેચાણ સેકન્ડરી બજારમાં બ્લોક ડીલ્સ મારફત થયું હતું, જ્યારે ૨૦ અબજ ડોલરના શેરો આઈપીઓ મારફત ઓફ્ફલોડ કરાયા હતા.
સતત વેચાણને કારણે બીએસઈ-૫૦૦માંના શેરોમાં પ્રમોટરોનું હોલ્ડિંગ ડિસેમ્બર, ૨૦૨૫ ત્રિમાસિકમાં ઘટી ૪૮.૪૦ ટકા સાથે ઓલટાઈમ લો સપાટીએ પહોંચી ગયું હતું.















