Kejriwal First Reaction On Raghav Chadha: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતિયાંશ (2/3) સભ્યો સાથે રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે. તે બાદ દિલ્હી, પંજાબ સહિત દેશના રાજકારણમાં ફરી ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
‘ભાજપે પંજાબીઓ સાથે દગો કર્યો’
રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું છે કે ‘ભાજપે ફરી પંજાબીઓ સાથે દગો કર્યો’
કયા કયા સાંસદોએ AAPને કયા રામ-રામ?

બીજી તરફ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ‘ઓપરેશન લોટસ’ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘ઓપરેશન લોટસ’ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
જનતા સાથે વિશ્વાસઘાત કર્યો, નામ યાદ રાખજો: સંજયસિંહ
આરોપ લગાવ્યો કે, ‘આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદ રાખવા જોઈએ, કારણ કે આ લોકોએ ‘ગદ્દારી’ કરી છે. આ સંદર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા નામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.’
ED અને CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે: સંજય સિંહ
સંજય સિંહે કહ્યું કે આ નેતાઓએ પંજાબની જનતાની ‘પીઠમાં છરો ભોંકવાનું’ કામ કર્યું છે અને રાજ્ય સાથે ગદ્દારી કરી છે. તેમના મતે, જનતા આ વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલા અશોક મિત્તલ પર EDની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે.
પાર્ટીઓ તોડવા ‘વોશિંગ મશીન’નો ઉપયોગ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ AAPમાંથી ભાજપમાં ભળેલા સાંસદોની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘ભાજપે પંજાબ સાથે ગદ્દારી કરી, ભાજપનું પંજાબમાં કોઈ અસ્તિત્વ જ નથી, ભાજપનું પોતાનું કઈ જ નથી માટે આ પ્રકારના તુક્કા લગાવી રહી છે. ભાજપ પંજાબ જીતી શકતી નથી, આ પ્રકારે વોશિંગ મશીનનો ઉપયોગ કરીને શરદ પવારની પાર્ટી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની તેમજ કોંગ્રેસની પાર્ટીને તોડી નાખવામાં આવી હતી. પંજાબમાં ભાજપનો કોઈ જ જનાધાર નથી. ભાજપ તેની સાથે વિલય કરનારા લોકોને પણ ગળી જાય છે, આ સાત લોકો પાર્ટીનો ભાગ નથી, ગદ્દારોના જવાથી કોઈ ફર્ક પડતો નથી, જનતાના પ્રેમની કોઈ કિંમત હોતી નથી, પંજાબની જનતાનો પ્રેમ કોઈ પણ કિંમતે ખરીદી શકાશે નહીં.’
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત















