![]()
Vadodara : વડોદરા શહેરના વોર્ડ નંબર-12 વિસ્તારમાં આવતા બીલ ગામના મુખ્ય માર્ગ પર તંત્રની બેદરકારી સામે આવી છે. પીવાના પાણીની લાઈનમાં લીકેજ સર્જાતા રસ્તાની વચ્ચે જમીન બેસી ગઈ હતી અને ભયજનક મોટો ખાડો પડી ગયો હતો. ઘટનાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર અચાનક રોડ ધસી પડતા અકસ્માતનો ભય ઉભો થયો છે. રસ્તા પરથી પસાર થતા વાહનોને મુશ્કેલી પડી રહી છે અને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની રહી છે.
આ મામલે વોર્ડ નંબર-12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને ભાવિકાબેન ચાંડોલે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સામાન્ય પાણીના લીકેજમાં જ આખો રોડ બેસી જવો એ કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા કરે છે.
સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ખાડાનું સમારકામ કરવાની તેમજ પાણીની લીકેજ સમસ્યા દૂર કરવાની માંગ કરી છે. સાથે જ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સુરક્ષાની જરૂરી કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે.















