![]()
અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક સ્થાનિક બેંકોએ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) (FCNR(B)) થાપણો પરના વ્યાજ દરમાં ૨૫૦ બેસિસ પોઇન્ટથી વધુનો વધારો કર્યો છે. સ્ટેટ બેંકે આ થાપણો પરના વ્યાજ દરમાં ૨૯૫ બેસિસ પોઇન્ટનો જ્યારે એચડીએફસી બેંકે તેમાં ૨૬૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.
કરુર વૈશ્ય બેંકે ૩ થી ૫ વર્ષની થાપણો પર મહત્તમ વ્યાજ દર ૩૦૦ બેસિસ પોઇન્ટથી વધુ વધારીને ૭% કર્યો છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આવી થાપણો પર વ્યાજ દર ૧૯૫ બેસિસ પોઇન્ટથી વધારીને ૭.૧% કર્યો છે.
સપ્તાહ પ્રારંભે રિઝર્વ બેંક દ્વારા આ ખાસ ડિપોઝિટ સ્કીમ માટે નવા નિયમો જારી કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ અંતર્ગત, રિઝર્વ બેંક આ ડિપોઝિટ પરનો સંપૂર્ણ હેજિંગ ખર્ચ ઉઠાવશે, જે અંદાજે ૩.૫% જેટલો છે.
બેંકિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, આ નવા દરોનો હેતુ વિદેશી ચલણમાં વધારાની થાપણો આકર્ષવા અને દેશમાં વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધારવા માટે રિઝર્વ બેંકની પહેલને ટેકો આપવાનો છે.
સંભવિત FCNR(B) પ્રવાહનો અંદાજ વિદેશી અને સ્થાનિક બેંકોના ડેટાના વિશ્લેષણના આધારે બદલાય છે. વિદેશી બેંકોએ ૨૦ બિલિયન ડોલરથી ૩૦ બિલિયન ડોલરના રોકાણનો અંદાજ લગાવ્યો છે, જ્યારે સ્થાનિક બેંકોએ ૪૦ બિલિયન ડોલરથી વધુના મૂડીપ્રવાહનો અંદાજ લગાવ્યો છે.















