![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી નવા શૈક્ષણિક વર્ષથી હાયર પેમેન્ટ ધોરણે બે નવા ડિગ્રી કોર્સ શરુ કરશે.જેમાં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ એમએસસી ઈન ડેટા સાયન્સ અને બે વર્ષના એમએસસી ઈન એડવાન્સ કોમ્પ્યુટિંગનો સમાવેશ થાય છે.આ બંને કોર્સમાં એન્ટ્રન્સ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ જીકાસની સાથે યુનિવર્સિટી પોર્ટલ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.
ફેકલ્ટીના ડીન પ્રો.વિપુલ કલમકરે જાણકારી આપતા કહ્યું હતું કે, પાંચ વર્ષનો ડેટા સાયન્સના કોર્સનું સંચાલન સ્ટેટેસ્ટિક વિભાગ દ્વારા થશે.જેમાં ૬૦ બેઠકો પર ધો.૧૨ પછી એન્ટ્રન્સ ટેસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે.આ કોર્સમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્કિલ્સ, એઆઈ અને મશિન લર્નિંગ, બિગ ડેટા એન્ડ ડેટા એન્જિનિયરિંગ સિસ્ટમ તથા એનાલિટિકલ એન્ડ ડિસિઝન સાયન્સ જેવા વિષયો ભણાવવામાં આવશે.વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે ઈન્ડસ્ટ્રિઝમાં પ્રેક્ટિકલ તાલીમની પણ તક મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બે વર્ષના એમએસસી ઈન એડવાન્સ કોમ્પ્યુટિંગ કોર્સનું સંચાલન બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગ દ્વારા કરાશે.જેમાં વિદ્યાર્થીઓને સોફ્ટવેર એન્જિનિયરિંગ, સિસ્ટમ એન્જિનિયરિંગ, ક્લાઉડ પ્લેટફોર્મ એન્જિનિયરિંગ, સાયબર સિક્યુરિટી, એઆઈ એન્જિનિયરિંગ જેવા વિષયો ભણાવાશે.પીએચડી કે એડવાન્સ રિસર્ચ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ મદદગાર સાબિત થશે.આ કોર્સમાાં ૧૭ રેગ્યુલર અને ૩ સ્પેશ્યલ બેઠકો રાખવામાં આવી છે.















