![]()
વડોદરાઃવડોદરામાં ઠેરઠેર ખોદેલા ખાડાઓને કારણે પરીક્ષાર્થીઓ અટવાય નહિ તે માટે પોલીસને મદદ માટે તૈયાર રહેવા તાકિદ કરવામાં આવી છે.પોલીસને વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૃપ થવા પણ કહેવાયું છે.
આવતીકાલથી શરૃ થતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં શહેરના ૧૭૬ પરીક્ષા કેન્દ્રોની બહાર ચાર કે તેથી વધુ વ્યક્તિઓ(પરીક્ષાર્થી સિવાય) ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો તેમજ લાઉડ સ્પીકર બંધ રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.જ્યારે,વીજ પુરવઠો ખોરવાય નહિ તે જોવા માટે વીજ કંપનીઓને તાકિદ કરવામાં આવી છે.
શહેરના પરીક્ષા કેન્દ્રો પર એક હજાર થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.જ્યારે, ટ્રાફિક પોલીસ પણ ખાડાઓને કારણે પરીક્ષાર્થીઓ ફસાય નહિ અને ટ્રાફિક જામ ના થાય તે માટે તકેદારી રાખશે.આજે તમામ પોલીસ ઇન્સ્પેકટરોએ તેમના વિસ્તારની સ્કૂલોના સંચાલકો સાથે પણ મીટિંગ કરી હતી.
પરીક્ષાના સાત સ્ટ્રોંગરૃમની સુરક્ષા એસઆરપીને હવાલે
વડોદરામાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાના પેપર્સ તેમજ ઉત્તરવાહિની માટે સાત સ્ટ્રોંગરૃમ બનાવવામાં આવ્યા છે.જેની સુરક્ષાની જવાબદારી એસઆરપીને સોંપવામાં આવી છે.તમામ સ્ટ્રોંગરૃમ ફરતે એસઆરપીના બે પ્લાટુન ફાળવવામાં આવ્યા છે.જે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે.
















