![]()
ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું જણાવી બે આરોપીઓએ મિત્ર સાથે જ છેતરપિંડી કરી 6.22 લાખ પડાવી લીધા હતા. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કરોડિયારોડ હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા ધવલ અરવિંદભાઇ બારીયાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ડ્રાઇવિંગ શીખવાડવાનું કામ કરૃં છું. મારી પાંચ લાખની ગોલ્ડ લોન મુથુટ ફાઇનાન્સ ગોરવા ખાતે કરાવી હતી. સલૂન ચલાવતા મારા મિત્ર મંથન રજોડીયાએ મને કહ્યું હતું કે, આ લોન તમારે ભરવી નહીં પડે, મારો મિત્ર મિલિન્દ મહેન્દ્રભાઇ જગતાપ (રહે. વસુંધરા એપાર્ટમેન્ટ, વડોદરા) સેટિંગ કરાવીને લોન ક્લોઝ કરાવી આપશે.પરંતુ, તેની માટે તારા એકાઉન્ટમાં મોબાઇલ લોન કરાવી આપવી પડશે. તેની વાતો પર વિશ્વાસ આવ્યો હતો. મંથન અને મિલિન્દ જગતાપ મને તેઓની અલકાપુરી સેન્ટર પોઇન્ટમાં આવેલી રક્ષા ફાઇનાન્સની ઓફિસે લઇ ગયા હતા. ત્યારબાદ તેઓએ મારા નામ પર 1.55 લાખનો મોબાઇલ મારી લોન ક્લોઝ કરાવવા માટે લીધો હતો. મોબાઇલના હપ્તા મિલિન્દ ભરશે. તેવું નક્કી થયું હતું. થોડાદિવસ પછી 1.14 લાખનો બીજો મોબાઇલ ફોન પણ લીધો હતો. ત્યારબાદ આદિત્ય બિરલા કેપિટલમાંથી મારા નામે2.79 લાખની લોન કરાવી હતી અને એટીએમ પર જઇને રોકડા 40 હજાર ઉપાડી લીધા હતા. તદુપરાંત તેઓની ઓફિસે જઇ મેં બંનેને ગૂગલ પે અને ફોન પે થી 1.97 લાખ આપ્યા હતા. તેઓએ ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું જણાવી મારી પાસેથી 7.62 લાખ લીધા હતા. જેમાંથી માત્ર 1.45 લાખ પરત કર્યા હતા. જ્યારે 6.22 લાખ પરત કર્યા નથી. આરોપીઓએ આ રીતે અન્ય લોકો પાસેથી પણ રૃપિયા પડાવી લઇ છેતરપિંડી કરી હતી.














