![]()
Vadodara : વડોદરા જિલ્લામાં વાધોડીયા જીઆઈડીસીની રેડિયન્ટ પેરેન્ટરલ લિમિટેડ નામની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં વડોદરા જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતો.
આ કાર્યવાહીમાં સ્થળ તપાસ દરમ્યાન 18 તરુણીઓ તથા 2 તરુણોને સ્થળ પર ઇન્જેક્શન બનાવવાની અને ઈન્જેક્શન પેકીંગમાં હેલ્પર તરીકેની કામગીરીમાં રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ તમામ તરૂણ શ્રમિકો બાળ અને તરુણ શ્રમયોગી અધિનિયમ – 1986 ની અનુસૂચિના ભાગ-કમાં આપવામાં આવેલા જોખમી કામોની યાદી મુજબ જોખમી કામ કરતા હતા.
ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા 2 તરૂણોને મુક્ત કરાવીને તેમને બાલ ગોકુલમ બોયઝ ચિલ્ડ્રન હોમ, ભુતડી ઝાંપા, વડોદરાના સુપ્રીન્ટેન્ડન્ટને સોંપવામાં આવ્યા છે. જ્યારે 7 તરૂણીઓને મુક્ત કરાવી હાઉસ ઓફ ઈમ્યુનિટી (સિતારે), અકોટા, વડોદરાના સુપ્રીન્ટેન્ડન્ટને અને 11 તરૂણીઓને મુક્ત કરાવીને હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ (ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ), ઈલોરા પાર્ક વડોદરા ખાતે સોપવામાં આવ્યા છે. આ સંસ્થા સામે જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ કમિટી દ્વારા આગળની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે, તેમ નાયબ શ્રમ અધિકારીએ જણાવ્યુ છે.















