![]()
બી-ડિવીઝન પોલીસ સ્ટેશન સામેના કવાર્ટરની ઘટના
પાડોશી મહિલાએ દસ ટકા વ્યાજે રકમ આપ્યા બાદ અચાનક ર૦ ટકા વ્યાજ વસુલવાનું શરૂ કર્યું
રાજકોટ : પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ મથકની સામે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં અને મનપાનાં નિવૃત સફાઈ કામદાર મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૬૭)એ વ્યાજે આપેલા પૈસાની પઠ્ઠાણી ઉઘરાણી કરાતા ઘઉંમાં નાખવાના પાવડરની પડીકી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બી-ડિવીઝન પોલીસે તેની ફરિયાદના આધારે દીનાબેન ખીમસુરીયા સામે ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં મોહનભાઈએ જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલાં પાડોશમાં રહેતાં દીનાબેન પાસેથી સગાઈના પ્રસંગ માટે તેની પત્નીએ રૂા.૧.ર૦ લાખ વ્યાજે લીધા હતા. બદલામાં બે કોરા ચેક આપ્યા હતા. જે-તે વખતે ૧૦ ટકા વ્યાજની વાત કરતાં દર મહિને રૂા.૧રપ૦૦ વ્યાજ પેટે આપતા હતા. ૬ મહિના સુધી વ્યાજ આપ્યુ હતું. આ પછી દીનાબેને ર૦ ટકા વ્યાજ કરી દેતાં રૂા.રર હજાર આપવાનું શરૂ કર્યું હતું.
દોઢેક વર્ષ સુધી વ્યાજ આપ્યા બાદ પત્નીની બિમારીના કારણે વ્યાજ ચુકવી શકયા ન હતા. આ પછી દીનાબેને તેની પત્નીના નામે રૂા.૧ લાખની લોન કરાવી પોતાની પાસે રકમ રાખી વ્યાજ પેટે ગણી લીધી હતી. ત્યાર બાદ પેન્શનમાંથી રૂા.૭પ હજાર આપ્યા હતા. આ પછી વ્યાજ આપવાનું બંધ કરી દેતાં દસેક દિવસ પહેલાં વકિલ મારફત નોટિસ મોકલી હતી.
સાથો-સાથ જો વ્યાજની રકમ નહીં મળે તો તેના દિકરાને કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં કંટાળીને આજે સવારે અગાસી પર ઘઉંમા નાંખવાની ટીકડીની પડીકી પાણીમાં ઓગાળીને પી લીધી હતી.















