![]()
Surat Accident: સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રિએ ગંભીર અકસ્માત સર્જાયો હતો. હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર રોડ વચ્ચે ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રેક્ટર ચાલકની ગંભીર બેદરકારીને કારણે હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે.
અંધારામાં ઉભેલું ટ્રેક્ટર ન દેખાયું
મળતી માહિતી અનુસાર, 28મી ફેબ્રુઆરીની રાત્રે શૈલેષભાઈ માણીયા પોતાની પત્ની કૃપાબેન, પુત્ર મન અને ભત્રીજા મંત્ર સાથે ઉમિયાધામ રોડ પર આવેલા સોના એપાર્ટમેન્ટથી ઘરે જઈ રહ્યા હતા. વરાછા ઓવરબ્રિજ પર એક ટ્રેક્ટર કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર કે સાઈન બોર્ડ વગર બંધ હાલતમાં ઊભું હતું. બ્રિજ પર અંધારું હોવાથી શૈલેષભાઈને ટ્રેક્ટર દેખાયું નહોતું અને તેમની બાઈક પૂરઝડપે ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણના મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના ચારેય સભ્યો લોહીલુહાણ હાલતમાં રોડ પર ફેંકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મન અને મંત્ર (બંને ભાઈઓ)ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટૂંકી સારવાર બાદ શૈલેષભાઈ માણીયાએ પણ દમ તોડ્યો હતો. શૈલેષભાઈના પત્ની કૃપાબેન હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ટ્રેક્ટર ચાલક ઝડપાયો
આ કરુણ ઘટના અંગે મૃતક શૈલેષભાઈના કાકા નાનજીભાઈ માયાણીએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રેક્ટર ચાલકે સુરક્ષાના ચિહ્નો વગર વાહન ઉભું રાખીને બીજાના જીવ જોખમમાં મૂક્યા હતા. પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ શરૂ કરી છે.















