![]()
‘મેનુ કાર્ડ’ બન્યું ‘મેનિફેસ્ટો’: ગાંઠિયા-ભજિયાં પાર્ટીઓ શરૂ : હજુ મતદારોમાં નિરૂત્સાહ જોઈને રાજકીય પક્ષો-ઉમેદવારોએ હવે ચૂંટણીસભામાં ખાલી ખુરશીઓ ભરવા જમણવારમાં જલસા ગોઠવ્યા
વેરાવળ, : વેરાવળ-સોમનાથ નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. પરંતુ આ વખતે રણમેદાનમાં રાજકીય ચર્ચાઓ કરતા વધુ ચર્ચા જમણવારની થઈ રહી છે. શહેરમાં એક નવો જ નારો પ્રચલિત થયો છે કે, ‘જમણવારમાં જલસો, જમાડો એટલું જીતી જાવ.’ મતદારોમાં જોવા મળી રહેલી નિરૂત્સાહની લહેરને ખાળવા માટે ઉમેદવારોએ હવે લોકશાહીના પર્વને ભોજન ઉત્સવમાં ફેરવી નાખ્યો હોય તેવું જણાય છે.
વેરાવળ-સોમનાથના તમામ 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં છે. અનેક વોર્ડમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે, જેના કારણે જીતનું માર્જિન ઘટવાની ભીતિ ઉમેદવારોને સતાવી રહી છે. 24 કલાક ધમધમતા ચૂંટણી કાર્યાલયોમાં જ્યારે મતદારોની પાંખી હાજરી જોવા મળી, ત્યારે ઉમેદવારોએ જનતાને આકર્ષવા માટે ખાન-પાનનો સહારો લીધો છે. ઠેર-ઠેર ભજીયા અને ગાંઠિયાની પાર્ટીઓના તાહીરાઓ શરૂ થઈ ગયા છે.
જાગૃત નગરજનો કહે છે કે, વેરાવળ-સોમનાથમાં હાલમાં તો વિકાસના મુદ્દાઓ પર ભજીયા-ગાંઠિયાની પ્લેટો ભારે પડી રહી હોય તેવું લાગે છે. પરંતુ શું મતદારો આ જમણવારના જલસામાં ભોળવાઈને મતદાન કરશે કે પછી અંતરાત્માના અવાજે પરિવર્તન લાવશે? તે તો પરિણામો જ કહેશે.















