![]()
Gujarat Liquor Policy: ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ 2026 અને 2027 માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ 5થી 10 ટકાનો વધારો કરાયો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.
પોલીસ હવે નવા ભાવે મુદ્દામાલની ગણતરી કરશે
ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે. અત્યાર સુધી પોલીસ જૂના ભાવ મુજબ જપ્ત કરેલા જથ્થાની કિંમત આંકતી હતી, પરંતુ હવે આબકારી વિભાગના નવા પરિપત્ર મુજબ, હવે પોલીસ જપ્ત કરેલી બોટલોની કિંમત નવા દર પ્રમાણે નક્કી કરશે, જેનાથી કુલ મુદ્દામાલના આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે. દરોડા દરમિયાન પકડાયેલ જથ્થાની બજાર કિંમત હવે નવી બ્રાન્ડ વાઈઝ યાદી મુજબ જાહેર કરાશે.
આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા
લિકર લાયસન્સધારકો માટે પણ મોંઘવારી
રાજ્યમાં જે લોકો લિકર લાયસન્સ ધરાવે છે અને અધિકૃત હોટલો કે વાઈન શોપમાંથી દારૂ-બિયર ખરીદે છે, તેમના માટે કિંમતોમાં વધારો થયો છે. વિભાગ દ્વારા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયર ટીન/બોટલની નવી કિંમતો જાહેર કરાઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
નવા જાહેરનામાની મુખ્ય અસરો
• પોલીસ દ્વારા પકડાતા દારૂના કેસોમાં હવે રકમનો આંકડો મોટો દેખાશે.
• કાયદેસર રીતે દારૂ મેળવતા પરમિટ ધારકોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.
• આબકારી વિભાગે આગામી બે વર્ષ માટે આ દરો નક્કી કર્યા હોવાથી તમામ લાયસન્સ ધરાવતી સંસ્થાઓએ આ ભાવપત્રકનો અમલ કરવાનો રહેશે.
નોંધનીય છે કે, નશાબંધી અને આબકારી વિભાગ દર વર્ષે બજારની સ્થિતિ અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ભાવમાં સુધારો કરતું હોય છે. વર્ષ 2026-27 માટેનો આ નવો પરિપત્ર તાત્કાલિક અસરથી અમલી બનશે.















