![]()
જૂનાગઢમાં મહિલાની હત્યાએ અનેક રહસ્ય સર્જ્યા હતા : શરૂઆતમાં ચપળતાપૂર્વક પોતે કંઈ જાણતો જ ન હોવાનો ઢોંગ કર્યો પણ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે ભાંગી પડયો
જૂનાગઢ, : જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે એક મહિલાની ગળું કાપીને કરવામાં આવેલી કરપીણ અને ચકચારી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ટેકનિકલ સેલ, ડ્રોન સર્વેલન્સ અને હ્યુમન સોસસની મદદથી ગુનાને ડિટેક્ટ કરી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકના પુત્રનો મિત્ર જ નીકળ્યો છે. કોઈપણ સિક્યુરીટી વગર ઉછીના પૈસા આપવાની ના પાડતા મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગત તારીખ 12ના રોજ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા સુનીતાબેન રમેશભાઈ રાયજા (ઉ.વ. 59) પોતાના મકાનમાં એકલા હતા ત્યારે તેની હત્યા થઈ જતા ચકચાર મચી હતી. આ ગુનાની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસની તપાસ દરમ્યાન હત્યારો સુરેશ ઉર્ફે કાનો ઘટના સમયે આસપાસમાં જ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસ સમક્ષ તે શરૂઆતમાં પોતે કંઈ જાણતો જ ન હોવાનો ઢોંગ કરતો રહ્યો પરંતુ પોલીસે જ્યારે તેની આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે તે આખરે ભાંગી પડયો હતો અને કબુલ્યું કે તેણે સુનીતાબેન પાસે ઉછીના પૈસા માંગ્યા તો તેણે આપવાની ના પાડતા આ કરપીણ હત્યા કરી હતી. આરોપી સુરેશ વાધુમલ ચંદનદાસ વાધવાણી (ઉ.વ.૩૯) ટીફીન સવસનો ધંધો કરે છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી વધુ તપાસ માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
ચાની 3 રકાબીએ રહસ્ય સર્જ્યું હતું
આ મામલે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, બનાવ વખતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે ગઈ ત્યારે ત્યાં ચા પીધેલી ત્રણ રકાબી જોવા મળી હતી. પૂછપરછ દરમ્યાન મૃતકના પુત્ર અને મૃતક મહિલા સિવાય અન્ય કોઈ વ્યક્તિએ ચા પીધી છે એ કોણ છે ? તે શંકાસ્પદ બાબત હતી. હત્યારા સુરેશે પોલીસ પૂછપરછમાં કબુલ્યું કે તેણે ચા પીધી હતી.
આરોપીને કોલ-પુટના સોદામાં નુકસાન ગયું હતું પોલીસે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારનો એરિયલ વ્યુ મેપ બનાવી શકમંદોની પૂછપરછ કરી હતી : જેને મારી નાખ્યા તેની અંતિમ વિધિનો સામાન લેવા પણ ગયો!
જૂનાગઢ, : આરોપી એટલો શાતિર હતો કે ગુનો કર્યા બાદ પોતે નિર્દોષ સાબિત થાય તે માટે આજુબાજુના લોકોને ઘટનાની જાણ કરવા પોતે પણ ત્યાં પહોંચી ગયો હતો. તે મૃતકની અંતિમ વિધિનો સામાન લેવા પણ સાથે ગયો હતો અને પરિવારની આસપાસ જ રહીને પોલીસની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. જોકે પોલીસની તીક્ષ્ણ નજરથી તે બચી શક્યો નહીં.
હત્યારો સુરેશ માંગનાથમાં દુકાન ધરાવતો હતો. તે દુકાનમાં નુકસાન જતા તેણે બંધ કરી શેરબજારનો સટ્ટો શરૂ કર્યો હતો. શેરબજારમાં કોલ-પુટના સોદા કરતો તેમાં સાડા ત્રણ લાખથી વધુનું નુકસાન ગયું હતું તે રકમ ઉછીના લેવા માટે મૃતક મહિલા પાસે ગયો હતો. મૃતક મહિલા નાની-નાની વીસી ચલાવતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. એટલું જ નહીં, ગુનેગાર કયા ગુપ્ત રસ્તેથી ભાગ્યો હોઈ શકે તે જાણવા માટે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનો એરિયલ વ્યુ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. ઘટનાના સમયે આસપાસથી પસાર થયેલા તમામ શંકાસ્પદ લોકોની યાદી બનાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી.















